રક્ષાબંધન એટલે “એક મીઠો સબંધ “ભાઈ-બહેન” નો”….

રક્ષાબંધન એટલે “એક મીઠો સબંધ “ભાઈ-બહેન” નો”….

“ કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી ,
ભાઈ ની બે’ની લાડકી અને ભઈલો ઝુલાવે ડાળખી.”

જયારે જયારે આ ગીત સાંભળતી ત્યારે હીંચકો (ખાટ) એમાં અમે બન્ને બહેનો બેઠા હોઈએ સળીયો પકડીને અને ભાઈ જોરદાર ફાસ્ટ હીંચકા નાંખે). એ યાદ આવી જાય…હીંચકા એટલા ફાસ્ટ હોય કે ના નીચે જોવાય ના ઊંચે, અને બૂમો તો ભૂલથી પણ ના પડાય.જેવી બૂમો પાડી મમ્મી મમ્મી ત્યાં જ બે ચોટલી પકડાઈ ગઈ હોય..

આ સ્કૂલમાં બે ચોટલી discipline માટે ઓછી પણ ભાઈ ને ખેંચવાની મજા પડે એના માટે વધુ હશે. મિનિટે મિનિટે હેરાન અને પરેશાન કરતો ભાઇ દિવસમાં કેટલી વાર ધમકી સાંભળતો કે મમ્મી ને કહી દઈશ.અને બધું ક્યારે એને કહેતા થઇ ગયા અને ખબર જ ના પડી.

આજે પણ બધું સાઈડમાં અને એક ફોન જાય કે બેન્કમાં આમ થયું, તબિયતને આમ થયુ ત્યાં એ સાક્ષાત હાજર હોય.
વાતોના દિલાસા કરતાં ભાઈની હાજરી જ બધું દુર કરી દેતી.

મને યાદ છે અમે નાનપણ માં જેમ્સ વધુ ખાતા.એમાં કલર કલર અલગ પાડી ભાગ પાડવાના. મારાં ભાગની જો નીચે પડી જાય તો ભાઈ ઉઠાવી લે અને કહે રામ કે ભૂત.. જો ભૂત કહું તો ખાવાના મળે અને રામ કહું તો કહે નીચે પડેલું કોણ ખાય બાવાજીનો બેટો ખાય. એટલે બન્ને બાજુથી રહેવાનું. આમપણ નાના હોવાથી ભાગ પાડવા છતાં એકાદ બે ચોકલેટ વધુ જ મળતી. ત્યારે રામ કે ભૂતનો concept સમજમાં નહોતો આવતો.

પણ આજે સમજાય છે, પરિસ્થિતિ સામે કેમનું લડવું, છોડવું અને ત્યાગવું. એટલું જ..

દુનિયામાં બધા સંબધોમાંથી સર્વોત્તમ સબંધ હોય તો ભાઈ બહેનનો. એક જ નાભિ બિંદુથી એક સરખા જ રક્ત વડે ધબકતા બે નટખટ હ્નદય એટલે ભાઈ બહેન. સૌથી વધારે પજવતું અને આંચાઇ કરતું પણ જરૂર પડ્યે ત્યારે ભેટી પડતું પાત્ર એટલે ભાઈ.
બીજા દોસ્તો સાથે ઝગડો થાય, વાગે ને પડીએ ત્યારે દોડીને આવી ચડેઅને બોલે મારી બહેન ને કોણે રડાવી એ વાક્યમાં જ સામે ની ટુકડી ઢીલી પડી જાય અને મારો ભાઈ મારી ઢાલ એ છત્રછાયા મળતા વાગેલું બધું ભુલી જવાય. મમ્મીની ગેરહાજરીમાં ફૂંક મારી થુંક લગાડી આપે એ ભાઈ.

આ પણ વાંચો:-  લલિત વસોયાનો મેરજા પર આક્ષેપ પાર્ટીનું કંઈ ન હતું તમે પૈસાથી વેચાઈ ગયા

ભાઈ બહેન સાથે રમશે, ઝઘડશે, એક વસ્તુ માટે બાથ મ બાથ માં આવી જતા, પણ જયારે એજ ભાઈ બહેન એકલા હોય ત્યારે વસ્તુનો ભાગ સાઈડમાં કરી દે. એક ચોકલેટ પણ ના ખાઈ શકે બહેન વગર એ ભાઈ જ હોઈ શકે.

એક પણ પ્રોગ્રામ સરખો ના જોવા દે અને tv નો રિમોટ સંતાડી દે એ નખખટ ભાઈ.

મમ્મી પપ્પા પણ વચ્ચે ના પડે આ મીઠાં તકરાર ને માણવા દે.કારણ એ જાણે છે જયારે બહેન સાસરે જશે ત્યારે સૌથી વધુ મિસ આ ભઇલો જ કરશે.

ભાઈ અને બહેનનો પ્રેમ એક એવી લાગણી છે કે જેનુ વર્ણન ના હોય માત્ર એક અનુભૂતિ હોય. જરૂર પડ્યે માં બાપ બને, તો જરૂર પડ્યે મિત્ર બની અડીખમ ઉભો રહી પ્રેમ વરસાવતો, લાગણી ધરાવતો તેમજ સર્વ પ્રકાર ની મનોકામનાઓ પૂર્ણ કરનારો , મિત્રની જેમ મસ્તી કરનારો , વડીલો ની જેમ સલાહ-સૂચન આપનાર ભાઈની રક્ષાની મનોકામના બહેન આ જીવન કરતી રહે છે.

અને આ “સ્નેહની ભાવનાઓ સાથે જોડાયેલો એક અહેસાસ એટલે રક્ષાબંધન”.

બહેન ભાઈની રક્ષા માટે રક્ષાદોરી એટલે કે રાખડી બાંધે છે અને ભાઈ પણ બહેન માટે જીવનની તમામ ખુશીઓ માટે બધું ન્યોછાવર કરી દે છે.

આ અણમોલ સંબંધ દિલથી બંધાયેલો હોય છે. મોટામાં મોટી આપત્તિ અને નાનામાં નાની મુશ્કેલીઓમાં પણ મનને બળ આપે છે ભાઈ નો પ્રેમ.

ભાઈ બહેનના મઘ મીઠાં સંબધો ને તાજા કરાવતી
એક રચના રજૂ કરું છું.જયારે બહેન પિયર છોડી જવાની હોય એ વેળાની.

શીર્ષક :મારી લાડલી બહેન

જો આ શ્રુંગાર, હાથની મેંદી
અને આ સગુનના દાગીના
બધું જ આવી ગયું,
પણ આ શું?
આંખોમાં આંસુ પણ,
આ કેવી ગડ મથલ?
તને એને મળવાની,
તારા કોડ પુરા કરવાની અમારી જીદ
પ્રભુતાના ડગ… ને માટે પગનો થનનગાટ
તો બીજી બાજુ આ બારણે તું ઊભી જ ઉભી રહે
કાયમ એવા કોડ….  કેટ કેટલા વિચારો…
છુપાયેલા અનેક શબ્દો મારા અધ ખુલ્લા હોઠો માં
કોને કહું? શું કહું? વાત કેમ કહેવી?    
આંખો, ને હોઠો વચ્ચે અંતર વલોવાય છે, 
સાંભળ !મારી લાડકી
આજ સાસરિયે તું ચાલી…
મારી બાળપણની સાથી
જો આ ક્લાઈ જેમાં તારી મમતાની
દોરી ઝૂલતી, આ હાથે તું નખ
પણ કેટલા મારતી…
રિમોટની ખેંચમ ખેંચ,
ને તારી ચોટલીની પણ
મેં જ ચીડવતાં તને કહયું હતું
તું તો પારકી….પણ આજે
ડૂમો ભરાય છે વ્હાલી.. .
તારા સપનાનો રાજ કુમાર આવશે.
તને લઈને જશે…. એ જ તો તારા
તારા સપના સાકાર કરશે…..
બસ તું જા…. નવી સફરમાં ,
પ્રભુતામાં પગલાં માંડવા
મમ્મી પપ્પાની ચિંતા ના કરતી
આ જે ઉંબરા ઓળંગી પગ મૂકે
એવું કહેતી ..  તું  
કે  હું જાઉં છું! તારું આંગણું છોડી,
એય, રડતો નહીં હોં…
હું પણ જો ક્યાં રોતડી છું?
હું કાંઈ થોડી અળગી થઇ જવાની છું ? 
આ જો કેવી લાગુ છું ? હુબહુ રાજકુમારી જેવી
હે ને ભઈલા…. એય ચાલ!… જલ્દી
ઉભી થા જાન આવે એ પહેલાં
મારાં બાઈક પાછળ તને  
બજારની શેર કરાવું, થોડી ડરાવું
ને થોડી તારી રકઝક સાંભળુ
ચાલ એક કાળું ટપકું લગાડું ?
બસ હવે તો એ આવશે, હમણાં આવશે જ
પણ હા હું ખુબજ ખુશ છું   
કોઈ વ્યક્તિ તને પ્રેમ કરે છે.…..
તારા જવાથી પાનખર જરૂર આવશે
પણ જીવન તારું વસંતની જેમ ખીલે છે .
મારે તને ભેટવું છે લાડલી, થપ્પો દાવ રમી સંતાવું છે, તારા ઉષ્મા ભર્યા હાથની ટપલી માણવી છે,
તારા બિલાડી જેવાં નખોરિયાં ખાવા છે…
બસ તને રાજકુમાર લેવાં એ પહેલાં
મારે આટલું જ જોઈએ છે.  
બસ આજ તારી યાદો ફરી જોઈએ છે….
તને માંડવે મુકવા જઉ એ પહેલાં
મારે….. મારી નટખટ બહેન જોઈએ છે..

આ પણ વાંચો:-  અંગત ડાયરી નાં 28/07/20 અનલોક 2 ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

પારુલ અમીત”પંખુડી”

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here