ધ.ત્રિ. ની કલમે – “અંતરમન ની રમત”

“પરંપરાનો મૂળ અર્થ ભૂલાઈ જાય અને માત્ર તે પ્રક્રિયા અને તેનો આછો ખ્યાલ જ અસ્તિત્વમાં રહે ત્યારે તે કર્મ-કાંડનું સ્વરૂપ ધારણ કરી લે છે”

“એકાદી બુઢ્ઢી માંગણને ધમકાવીને તગેડી મૂકતી વખતે આપણે તે બુઢ્ઢી પોતાની માનવસહજ ગરિમાને કોરાણે મૂકીને હાથ લાંબો કરવા પાછળ કેટલી પ્રબળ મજબુર હશે તે સ્પર્શ્યું આપણને કદી?”

આજે વાત કરવી છે એકાદી એવી ઘટનાની જેના થકી હું ક્યારેક મારી પોતાની જ ક્રિયા-પ્રક્રિયાઓનો સાક્ષી બનતો થયો. અને આમ થવાથી શરૂ થઈ મુતરડી જેવા તુચ્છ અને તિરસ્કૃત સ્થાનથી ખુદના જ મનમંદિરના ગર્ભગૃહના દર્શન સુધીની યાત્રા. લગભગ ૧૯૮૬-૮૭ની વાત છે. ત્યારે હું કોલેજમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરતો હતો, પરંતુ પરંપરાગત અભ્યાસ પદ્ધતિનો વિદ્યાર્થી હું કદી રહ્યો નથી. મતલબ કે અન્ય વિદ્યાર્થીઓની માફક ગાઈડ્સ અને પેમ્ફ્લેટ્સ વાંચીને પરીક્ષા આપવાને બદલે આખું વર્ષ હું અભ્યાસક્રમની તમામ કિતાબો વાંચતો, એ પણ અન્ય પુસ્તકોના વાંચનમાંથી સમય મળે તો જ ! એવા જ એક દિવાળીના વેકેશનમાં હું ઘરે વતનમાં આવેલો. વતનનો આ સમય મારા માટે સુર્વણકાળ રહેતો, કારણ કે આ સમયે પાછળ છૂટી ગયેલા મિત્રો સાથે રહેવા અને દિલ ખોલીને ભડાશ કાઢવાનો મોકો મળતો.

એ વેકેશનમાં જ દિવાળીની આગલી રાત્રે રોજની જેમ જ અમે ત્રણ ચાર મિત્રો ચાલતા ચાલતા જ ગામની બહાર રોડ પર વાતો કરતા કરતા નીકળી પડેલાં. ગામ પૂરું થાય એટલે બંધ પડેલું એરપોર્ટ આવે અને પછી આવે ખેતરોની વણથંભી હરોળ. થોડાં ખેતરો જતાં રહ્યાં પછી આવતા એક ખેતરને રોડ-સાઈડના શેઢે જ એક કૂવો અને મોટું ઘટાદાર પીપળનું વૃક્ષ આવેલાં. કાયમ અમે આ કૂવાના થાળામાં બેસીને બીડીઓ પીતાં, ગપાટા મારતા અને અગમ-નિગમની વાતો કરીને પોતાને આ દુનિયાના એવા બૌદ્ધિક માનતા જેને કોઈ સમજી શકતું નથી!

વાતોમાં ને વાતોમાં જ અંધકારમાંથી અજવાળામાં પગ મુકતા જ અચાનક મારી નજર…….

અંધારું થવા આવ્યું એટલે અમે ઘર તરફ રિટર્ન જર્ની શરૂ કરી. આખો રસ્તો સૂમસામ અને ખાલી હતો, એકલ દોકલ વાહન અચાનક આવીને અંધકારમાં ઓગળી જતું. અમે વાતોમાં એટલા ગૂંથાઈ ગયેલા કે શહેરની હદ ક્યારે આવી ગઈ તે ખબર જ ન રહી અને શહેરનો પ્રથમ વીજ થાંભલો નજીક આવી ગયેલો. વાતોમાં ને વાતોમાં જ અંધકારમાંથી અજવાળામાં પગ મુકતા જ અચાનક મારી નજર પડી કે પાણીનું બનાવેલુંય એક કુંડાળું છે અને અંદર થોડાં વડાં પડ્યાં છે. મેં ઊંચકેલો પગ સીધો એ કકળાટના કુંડાળામાં પડવા જ જતો હતો, પરંતુ મારો પગ એ કુંડાળામાં પડે તે પહેલાં જ મારી પોતાની સમજમાં કંઈ આવે તે પહેલાં જ હું કૂદકો મારીને કકળાટના એ કુંડાળાને કૂદી ગયો. તે દિવસે કાળી ચૌદશ હતી અને સામાન્ય વાયકા છે કે ગૃહિણીઓ તે દિવસે ઘરે વડાં બનાવે અને નજીકના ચાર રસ્તે પાણીનું કુંડાળુ બનાવીને તેમાં વડાં મૂકી આવે. આ વડાં મૂકતી વખતે દરેક સ્ત્રીના મનમાં આ વડાંની સાથે ઘરનો કકળાટ પણ ઘરની બહાર કાઢવાનો સંકલ્પ પણ હોય.

આ પણ વાંચો:-  ધ. ત્રિ ની કલમે, શીર્ષક: ટૂંકી વાર્તા

ભારતના રીતિ-રિવાજોની આ સુક્ષ્મ સુંદરતા સમજવા જેવી છે

ભારતના રીતિ-રિવાજોની આ સુક્ષ્મ સુંદરતા સમજવા જેવી છે, અને આવી સમૃદ્ધ પરંપરાઓને લીધે જ ભારતીય સમાજને મનોચિકિત્સકની જરૂર પડતી નથી. પરંતુ કોઈ પણ પરંપરાનો મૂળ અર્થ ભૂલાઈ જાય અને માત્ર તે પ્રક્રિયા અને તેનો આછો ખ્યાલ જ અસ્તિત્વમાં રહે ત્યારે તે કર્મ-કાંડનું સ્વરૂપ ધારણ કરી લે છે. ધીમે ધીમે તેની સાથે વિવિધ ગેર-માન્યતાઓ પણ ઘર કરતી જતી હોય છે. કકળાટના આ કુંડાળા સાથે પણ એવી જ એક માન્યતા ઘર કરી ગઈ છે કે જો કોઈએ બનાવેલા કુંડાળામાં પગ પડી જાય તો એ લોકોનો કકળાટ આપણા ઘરમાં ઘૂસી જાય. તેથી લોકો કાળી ચૌદશના આ કુંડાળાઓને બને ત્યાં સુધી ટાળતા હોય છે.

ગેરમાન્યતાઓ આપણા અંતરમનમાં કેટલી પ્રબળતાથી કોતરાઇ જતી હોય છે

આ ગેરમાન્યતાઓ આપણા અંતરમનમાં કેટલી પ્રબળતાથી કોતરાઇ જતી હોય છે તે મેં તે દિવસે અનુભવ્યું. જોવા જેવી વાત એ છે કે મને યાદ પણ નહોતું કે આજે ચૌદશ છે અને કકળાટના કુંડાળામાં પગ પડી જાય તો શું શું થાય તે અંગેની ભ્રામક વાતો મારા અંતરમનમાં એટલી તો ઘર કરી ગયેલી કે ઊંચકાયેલો પગ કુંડાળામાં પડે તેમાં લાગતી બે-પાંચ સેકન્ડમાં આખી પ્રોસેસ થઈ ગઈ કે કુંડાળામાં પગ પડવો ન જોઈએ ! આ જ બે-પાંચ સેકન્ડમાં શરીરે તેની પ્રતિક્રિયારૂપે અસાધારણ નિર્ણય લઈને આટલા મોટા કુંડાળાને કૂદી જવાની પ્રતિક્રિયા આપી.

વર્ષો પછી ખબર પડેલી કે આને કન્ડિશનિંગ કહેવાય

પછી વર્ષો પછી ખબર પડેલી કે આને કન્ડિશનિંગ કહેવાય. કન્ડિશનિંગમાં મનની અંદર ઊંડે ઊંડેથી સપાટી પર આવી વાસ્તવિકતામાં પરિણામો આપવાની પણ તાકાત હોય છે. વગર વિચાર્યે કુંડાળુ ઓળંગીને હાશકારો અનુભવતો હું થોડા ડગલાં આગળ ચાલ્યો અને પછી અચાનક જ ઊભો રહી ગયો અને પાછો ફરીને એ જ કુંડાળામાં જઈને ઊભો રહ્યો અને બે ત્રણ વાર કુધ્યો. સાથેના મિત્રો આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા. ત્યાંથી ઘરે પરત ફરતાં રસ્તામાં મેં એમને મારું આખું નિરીક્ષણ સમજાવ્યું. પોતાના જ મનની આંટીઘૂંટીઓ સમજવાની મથામણની કદાચ આ શરૂઆત હશે. ઓશોને વાંચી વાંચીને સંપાદિત માહિતીના જોરે મનમાં જ્ઞાની હોવાની રાઈ તો ઘણી ભરાઈ ગયેલી, પરંતુ એ જ્ઞાનનો સાક્ષાત્કાર ઘણો આનંદદાયક લાગ્યો હતો.

આ પણ વાંચો:-  ડોમેસ્ટિક ફલાઇટ્સ પછી ચાર્ટર્ડ ફ્લાઇટ્સને પણ અપાઈ મંજુરી,સરકારે જાહેર કરી ગાઇડ લાઇન

ભારતને દર્શનનો દેશ કહેવાય છે. જીવન દર્શન હોય કે તત્ત્વદર્શન હોય, પરંતુ જરૂર નથી કે તમે સંત હો, કે દાર્શનિક હો તો જ ફિલસૂફ હો અથવા બની શકો. ફિલસૂફો આપણા જેવા જ આમ આદમી હોય છે. ફર્ક હોય છે તો માત્ર નજરિયાનો, સમજણનો અને આ સમજણને વ્યાવહારિક જીવનમાં અમલમાં મૂકવાનો. આપણે આપણા જ શરીર સાથે એટલા ઘનિષ્ઠ રીતે સંકળાઈ ગયા છીએ કે આપણા જ શરીરના ચાલક એવા આપણા સૂક્ષ્મ મનની વાતો પ્રત્યે આપણા કાન બહેરા બની ચૂક્યા છે. જીવનની નાની નાની બાબતો પાછળ ઘણીવાર ગહન રહસ્યો છૂપાયેલા હોય, તેમને સમજવા, બીજાના અને આપણા પોતાના વર્તનો, વિચારોને તમામ રીતે જોવા, સમજવા અને તટસ્થ રીતે મૂલવવાં પડે. દર્શન બે રીતે થાય બાહ્યદર્શન અને આંતરિક દર્શન.

આપણું જ મન કેટકેટલી જગ્યાએ, કેટકેટલી બાબતોમાં આપણી પોતાની સાથે જ કેટકેટલી રમતો રમતું હોય છે

આપણું જ મન કેટકેટલી જગ્યાએ, કેટકેટલી બાબતોમાં આપણી પોતાની સાથે જ કેટકેટલી રમતો રમતું હોય છે એ કદી આપણને સમજાયું જ નથી…કારણ કે આપણે જીવતા-જાગતા મનુષ્યને બદલે માત્ર એક ઘરેડમાં ચાલતા, મને અજ્ઞાતપણે ઘડેલી ઘરેડના ઓટોમેશનથી ચાલતા એક યંત્ર જેવા બની ગયા છીએ. માનવ પોતાની જાત પ્રત્યે જ અભાન બનતો ગયો છે.

અંતે આવી જ એક ઘટના હળવા ટોનમાં લઈને, તેનો ગહન અર્થ સમજવા પ્રયત્ન કરીએ. શું તમે કદી વિચાર્યું પણ છે કે યુરિનલમાં જવા જેવી તુચ્છ ઘટનાને વ્યક્તિના અંતરમનમાં ઘડાતા કન્ડિશનિંગ સાથે લેવા દેવા હોઈ શકે ? કારણ એટલું જ કે સૌ બીબાઢાળ જીવવાથી એટલા ટેવાઈ ગયા છીએ કે આપણી સાથે થતી આવી નાની નાની રિપેટિટિવ બનતી ઘટનાઓને તો આપણે નજરઅંદાજ જ કરી નાખીએ છીએ. આપણે વારંવાર જે પણ યુરિનલ અથવા મુતરડીમાં જવાનું બનતું હોય ત્યાં બનતી એક વણનોંધી ઘટના સમજવા જેવી છે. જે યુરિનલમાં આપણે પ્રથમવાર ગયા હોઈએ અને જે ટબ સામે ઊભા રહીને તમે રાહત અનુભવી હોય, તો જ્યારે પણ તમારે એ જ યુરિનલમાં બીજી વાર જવાનું થશે ત્યારે તમારા પગ આપોઆપ એ જ ટબ પાસે લઈ જશે. જ્યાં તમે પહેલી વાર ઊભા હતા !

આ પણ વાંચો:-  મોબાઇલમાં નેટ બેન્કિંગ શરૂ ન થતાં વેપારી બેંકમાં આવ્યો’ને બેન્કમાંથી CPU લઈને ભાગ્યો.

કોઈ અજ્ઞાત સોફ્ટવેર આપણું સંચાલન કરતું હોય છે

આપણને સવારે ઊઠીએ ત્યારથી લઈને પથારીમાં લાંબાલસ થઈએ ત્યાં સુધી, કોઈ અજ્ઞાત સોફ્ટવેર આપણું સંચાલન કરતું હોય છે. જરા મગજ પર ભાર આપીને વિચાર કરો કે છેલ્લે તમને ક્યા દિવસે વિચાર આવેલો કે સવાર થાય અને સૂરજદાદા ઊગે છે, બપોરે મૂછો મરડીને સૌને ત્રાહિમામ પોકારાવે છે. સાંજ પડતાં તે ઓછેરો કેસરી રંગ ધારણ કરે છે અને આ દૈનિક ચક્ર દરમિયાન આપણી સાથે કેટકેટલી ઘટનાઓ ઘટે છે. પરંતુ આમાંની એક પણ ઘટના તમારા ચિત્તતંત્રને સ્પર્શતી નથી, હચમચાવી શકતી નથી. જોવાય છે માત્ર પોતાને ક્યાંય તકલીફ ન પડે, પોતાનું અંગત હિત જોખમાય નહીં.

એકાદી બુઢ્ઢી માંગણને ધમકાવીને તગેડી મૂકતી વખતે આપણે તે બુઢ્ઢી પોતાની માનવસહજ ગરિમાને કોરાણે મૂકીને હાથ લાંબો કરવા પાછળ કેટલી પ્રબળ મજબુર હશે તે સ્પર્શ્યું આપણને કદી? તો શું તમે પોતે જુઓ છો? કે પછી દરિયાના પરવાળા જેવી ડિઝાઈન વાળા આપણા જ ભૌતિક મગજની અંદર અવશપણે થઈ રહેલી ઓટોમેશનની પ્રક્રિયાના ગુલામ બની ગયા છીએ? એકવાર તો અંદરની આંખને ઉઘડવા દો… આપણે સવારે ઊઠીને રાત્રે સૂતી વખત સુધી આપણી આ આંખોની બહારની દુનિયાને જોઈ, સમજી, આપણી અનુકૂળતા મુજબ મૂલવીએ છીએ, પણ ખુદની અંદર થઈ રહેલી ક્રિયા-પ્રક્રિયાઓ, જેના પ્રતિબિંબ રૂપે જ આપણે વર્તતા હોઈએ છીએ તેના તરફ અને મનની કરામતો પ્રત્યે દૃષ્ટિપાત કરતા થઈશું તો આપણી અંદર રહેલો દાર્શનિક વેંત છેટો જ છે.

લેખક : ધર્મેન્દ્ર ત્રિવેદી

ઈમેઈલ : [email protected]

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here